Table of Contents
દાંત માટે કઈ ટુથપેસ્ટ સારી
આપણે ટીવી પર એવી ઘણી જાહેરાત જોઈએ છીએ જેમાં લોકો એવું પૂછે છે કે, શું તમારા ટુથપેસ્ટમાં મીઠું છે? કારણ કે એનાથી દાંત પરના બધા કીટાણુ મરી જાય છે.
ઘણી કંપનીની એવી જાહેરાત હોય છે કે, અમારી આ ટુથપેસ્ટમાં કાર્બન છે, જે ગંદગી ખેંચી લે છે. તો ઘણી એવી હોય છે કે, આ પેસ્ટમાં ઈલાયચી અને ફૂદીનો છે, જેનાથી શ્વાસ જાદુઈ થઇ જાય છે. આવી અતરંગી વાતો વાળી ઘણી જાહેરાત તમે ટીવી પર જોઈ હશે.
ટીવી કે અન્ય મીડિયા પર જુદીજુદી ઘણી બધી ટુથપેસ્ટની જાહેરાતો (લગભગ બધી ગેરમાર્ગે દોરતી) ચાલુ જ હોય છે. લોકો મુંઝાય છે, કોની વાપરવી ?
સારવાર પૂરી થયા પછી દર ચોથો દર્દી જતાજતા છેલ્લી મુંઝવણ દુર કરવા પૂછી બેસે, સાહેબ, કઈ ટુથપેસ્ટ સારી?
આ તો એના જેવો પ્રશ્ન થયો કે જાણે વિદ્યાર્થી શિક્ષકને પૂછતો હોય કે “ સાહેબ, પરીક્ષામાં વધારે માર્ક આવે તેના માટે કઈ કંપનીની પેનથી પેપર લખવું જોઈએ.”
હવે તમે જ વિચારો આનો શું જવાબ હોઈ શકે. જવાબ તમને ખબર છે, છતાં, પ્રાસનો મેળ કરવા લખું છું. જેમ પેપર લખવા માટે પેન જરૂરી છે, તેમ દાંત બ્રશ કરવા માટે ટુથપેસ્ટ હોવી જોઈએ, કઈ કંપનીની છે, કેટલા રૂપિયાની છે, કયા કલરની છે, તેમાં મીઠું છે કે નહિ, તે બિલકુલ મહત્વનું નથી. હોવી જોઈએ, બસ. કિમંતી ટુથપેસ્ટથી દાંત વધુ સારા સાફ થાય એવું બિલકુલ જરૂરી નથી.
મારા ઘણા દર્દીઓ પાસેથી અનેકવાર સંભાળવા મળ્યું છે કે “સાહેબ, સો રૂપિયા વાળી ફેમવેની ટુથપેસ્ટ વાપરું છું, તોય દાંત દુખ્યા જ રાખે છે.”
ભાઈ ( કે બહેન) ટુથપેસ્ટ માત્ર દાંતની રોજીંદી સફાઈ માટે ઉપયોગમાં લેવાની વસ્તુ છે, આ કોઈ દવા નથી. હા, દવાવાળી ( મેડિકેટેડ) ટુથપેસ્ટ આવતી હોય છે. દાંતની કેટલીક તકલીફ જેમ કે દાંત સેન્સીટીવ હોય, તો આવી તકલીફ વાળા દર્દીઓને ડોક્ટરની સલાહથી તેવી ટુથપેસ્ટ વાપરવી જોઈએ. બધાએ આવું કરવું જરૂરી નથી.
દાંતની સારી સફાઈ માટે સારું બ્રશ હોવું મહત્વનું છે. અને તેનાથી પણ વધારે મહત્વનું છે, બ્રશ કરવાની સાચી વૈજ્ઞાનિક ટેકનીક. મોટાભાગના લોકો ખોટી ટેકનીકથી બ્રશ કરતા હોય છે, એટલે સારું રિઝલ્ટ મળતું નથી. ટુથપેસ્ટ એ દાંત સાફ કરવાનું એક માધ્યમ માત્ર છે. જેમ પેપર લખવા માટે પેન, પણ અગત્યનું છે, તમારું નોલેજ અને ઈચ્છા.
ટૂથપેસ્ટ ના કરી તો શું થાય.
ઘણા લોકો ટૂથ પેસ્ટ ને બદલે ફક્ત દાતણ કે મીઠા થી દાંત ની સફાઈ કરતાં હોય છે. જોકે તેનો ઉપયોગ કરવો સારી વાત છે પણ તેનાથી દાંતની પૂર્ણ સફાઈ થતી નથી. તદ ઉપરાંત રિફાઇન ફૂડ નો વધુ પડતો ઉપયોગ દાંત ની સપાટી પર સરળતાથી સાફ થતો નથી .
જે આગળ જતાં દાંત માં સડો તેમજ પેઢા માં પાયોરિયા કરી શકે છે.
બ્રશ થી બે દાંત વચે ની જગ્યા માં તેમજ ખાચાઓમાં ફસાયેલો કચરો સારી રીતે સાફ થતો હોય છે. દાતણ નો ઉપયોગ મોટાભાગે દાંત અને પેઢા ના મસાજ માટે થતો હોય છે .
એક ન ગમતી કડવી વાત
તમારી પાસે ટુથપેસ્ટ છે, સારું બ્રશ છે, બ્રશ કરવાની સાચી ટેકનીકનું જ્ઞાન છે, છતાં દાંત બરાબર સાફ ન થતા હોવાનું મોટું કારણ છે, ઈચ્છા. વલણ (attitude). બ્રશ કરવામાં વેઠ ઉતારવાની ટેવ, પુરતો સમય નથી એવું બહાનું. બ્રશ કરતી વખતે બેધ્યાન હોવું.
હવે, કેટલાક જાણવા જેવા મુદ્દા.
- દુનિયાની કોઈ ટુથપેસ્ટ કુદરતી રીતે જ પીળા દાંત ને સફેદ કરી શકાતી નથી. જેમ, સ્કીન માટેની કોઈ ફેયરનેસ ક્રીમ કાળી સ્કીન ને ગોરી નથી બનાવી શકતી. જાહેરાતમાં માં કરતો આવો આવો દાવો સદંતર ખોટો હોય છે.
- ટુથપેસ્ટમાં રહેલા કેલ્સિયમને દાંત કયારેય સીધું ગ્રહણ કરી શકતું નથી.
- નાના બાળકો ડેન્ટિસ્ટ ની સલાહ મુજબ ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ વાપરી શકે. ડેન્ટિસ્ટ પાસે દુધિયા દાંત માં સડો થતો અટકાવવા માટે પ્રોફેસનલ ફ્લોરાઈડ જેલ એપ્લિકેશન કરી શકાય, જે દાંત નું બહારનું પડ મજબૂત કરે છે અને સડો થતો અટકાવે છે
- બધી ટુથપેસ્ટ એક સરખું જ કામ આપે છે.(જેમ કે બધી પેન) કોઈ પણ વાપરો, કોઈ ફરક પડતો નથી. જેનો કલર તમને ગમતો હોય, ટેસ્ટ ગમતો હોય, અને પરવડે એ લેવી. જાહેરાતમાં કરાયેલા દાવાઓને ગંભીરતાથી લેવા નહિ.
References
- https://www.ada.org/en/member-center/oral-health-topics/toothpastes